CA યુવતીને વાને અડફેટે લીધા બાદ દૂર સુધી ઢસડી, પીડાદાયક મૃત્યુની ઘટના CCTVમાં કેદ
મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના ભારત નગર ચોકમાં વાન ચાલકની બેદરકારીને કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ જીવ ગુમાવ્યો હતો. સીસીટીવી ફૂટેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે વાન ડ્રાઈવરની સંપૂર્ણ બેદરકારી હતી.વૈષ્ણવીએ 15 દિવસ પહેલા સીએની પરીક્ષા પાસ કરી હતી. આ ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
બુધવારે સવારે વૈષ્ણવી તેની ભાભીને તેના ઘરે મૂકીને પરત ફરી રહી હતી. તે દરમિયાન ભારત નગર ચોક પાસે રોંગ સાઇડથી આવી રહેલી વેને તેની સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. વેનની સ્પીડ એટલી વધારે હતી કે વૈષ્ણવી તેના પૈડા નીચે 50 ફૂટ સુધી ખેંચાઈ ગઈ હતી. સ્થળ પર હાજર લોકોએ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
વૈષ્ણવીએ હેલ્મેટ પહેર્યું હતું પરંતુ તેના માથા, લીવર અને પેટના ભાગે ગંભીર ઈજાના કારણે તે બચી શકી ન હતી.અકસ્માત સમયે વૈષ્ણવીના માતા-પિતા ‘દેવ દર્શન’ માટે ઉત્તર પ્રદેશ ગયા હતા. તેના માતા-પિતાને જાણ કરવામાં આવી ત્યારબાદ તેઓ પ્લેન દ્વારા નાગપુર પહોંચ્યા.