India

મોબાઈલ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા નારાજ છોકરીએ ધોધમાં 90 ફૂટની ઊંચાઈએથી લગાવી મોતની છલાંગ

છત્તીસગઢના બસ્તર જિલ્લામાં સ્થિત ચિત્રકોટ ધોધમાં એક યુવતીએ કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીને તેના માતા-પિતાએ મોબાઈલનો ઉપયોગ કરતા અટકાવતા ગુસ્સો આવ્યો હતો. આ ચોંકાવનારી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટના સમયે ધોધ પર કેટલાક અન્ય લોકો પણ હાજર હતા, જેમણે આ વીડિયો બનાવ્યો હતો. તેણે બૂમો પાડીને છોકરીને રોકવાનો પ્રયત્ન કર્યો જોકે છોકરી બચી ગઈ હતી અને તે બહાર આવી હતી.

ચિત્રકોટ ચોકી પોલીસના જણાવ્યા અનુસાર, સગીર છોકરી ચિત્રકોટ ગામના પૂજારી પરાની રહેવાસી છે. મંગળવારે તે ધોધ પર પહોંચી અને પછી એક ખડક પર જઈને ઊભી રહી. તેના આ કૃત્ય પર અન્ય લોકોની નજર પડતાં જ તેઓએ અવાજ આપીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ 90 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી હતી. તે લગભગ 70 ફૂટ નીચે પડી.

જો કે તેણીને કંઈ થયું ન હતું અને તે તરીને બહાર આવી ગઈ હતી. યુવતીએ પોલીસને જણાવ્યું કે તેના માતા-પિતા તેને મોબાઈલનો ઉપયોગ કરતા અટકાવતા હતા, જેના કારણે તે ગુસ્સામાં હતી.પોલીસે યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ તેને તેના સંબંધીઓને સોંપી હતી.ચિત્રકોટ ધોધ એ ભારતના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં ઈન્દ્રાવતી નદી પર સ્થિત એક ખૂબ જ સુંદર ધોધ છે. તેની ઉંચાઈ 90 ફૂટ છે.