સૌરાષ્ટ્ર-કચ્છ કિનારે બિપરજોયનું લેન્ડફોલ: પવનની ઝડપ 125 કિમી પ્રતિ કલાક, 150 સુધી પહોંચવાની અપેક્ષા
ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું છે. વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકતાં પવનની ઝડપ 125 કિમી પ્રતિ કલાકે પહોંચી છે. હવામાન વિભાગે લેન્ડફોલની સંપૂર્ણ તીવ્રતા રાત્રે 8 થી 10 વચ્ચે રહેવાની આગાહી કરી હતી. આ દરમિયાન પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડાનો લેન્ડફોલ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો અને થાંભલાઓ પડવા લાગ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 94 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડે 15 જહાજ અને 7 એરક્રાફ્ટ તૈયાર રાખ્યા છે. NDRFની 27 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
છેલ્લા 25 વર્ષમાં જૂન મહિનામાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર બિપરજોય પ્રથમ તોફાન છે. અગાઉ 9 જૂન 1998ના રોજ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યારે પોરબંદર નજીક 166 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.છેલ્લા 58 વર્ષની વાત કરીએ તો 1965થી 2022 વચ્ચે અરબી સમુદ્રમાં 13 ચક્રવાત સર્જાયા હતા. તેમાંથી બે ગુજરાતના દરિયાકાંઠે અથડાયા હતા. એક મહારાષ્ટ્ર, એક પાકિસ્તાન, ત્રણ ઓમાન-યમન અને છ સમુદ્ર પર નબળા પડ્યા.