GujaratIndia

અવકાશમાંથી જોવા મળ્યું બિપરજોય ચક્રવાતનું ભયંકર સ્વરૂપ, અવકાશયાત્રીએ શેર કરી તસવીર

ગુજરાત નજીક પહોંચેલું ભયંકર ચક્રવાત ‘બિપરજોય’ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ખતરનાક ચક્રવાતને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી છે. પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આ વાવાઝોડાની તસવીરો અવકાશમાંથી લેવામાં આવી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલું જોખમી છે.

અવકાશયાત્રી સુલતાન અલાનિયાદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની આ તસવીરો શેર કરી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અરબી સમુદ્રમાં ચક્રવાતે કેવી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બિપરજોય હાલમાં જખૌ બંદરથી લગભગ 250 કિમી દૂર છે. તે 15 જૂનની સાંજ સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે, જે ભયંકર તબાહી સર્જી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, સૌરાષ્ટ્રને વટાવ્યા બાદ સાયક્લોન બિપરજોયની અસર રાજસ્થાનમાં જોવા મળશે. તેની અસર અહીં 16 જૂન સુધી રહેશે અને ત્યાર બાદ દક્ષિણ હરિયાણામાં 17, 18 અને 19 જૂને વરસાદ પડશે. જો કે, ત્યાં સુધી બિપરજોયની ગતિ ધીમી પડશે.