વર્લ્ડ કપના 4 મહિના પહેલા જ ટીમને મોટો ફટકો: આ સ્ટાર ઓલરાઉન્ડર આખી ટૂર્નામેન્ટમાંથી બહાર
ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં આયોજિત થવાનો છે. 4 વર્ષમાં એકવાર યોજાનારી આ ટુર્નામેન્ટ માટે ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે જ સમયે વર્લ્ડ કપ પહેલા ઘણા સ્ટાર ખેલાડીઓની ઈજાના કારણે ટીમોનું ટેન્શન વધી ગયું છે. આ દરમિયાન અન્ય એક ખેલાડી ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા T20 દરમિયાન તેના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને હવે તે 6-8 મહિના માટે બહાર રહેવાનો છે. બ્રેસવેલની યુકેમાં 15મી જૂને સર્જરી થશે અને તે પછી રિકવરી નો લાંબો સમયગાળો હશે. જેના કારણે તે 50 ઓવરના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમમાંથી બહાર જશે. સુકાની કેન વિલિયમસન બાદ છેલ્લા કેટલાક મહિનામાં ન્યુઝીલેન્ડ માટે આ બીજો સૌથી મોટો ફટકો છે.
બ્રેસવેલે 22 માર્ચે પોતાની ODI ડેબ્યૂ કરી હતી અને અત્યાર સુધીમાં 19 ODIમાં 42.50ની એવરેજથી 510 રન બનાવ્યા છે. આ ખેલાડી મુખ્યત્વે 6 અને 7 નંબર પર બેટિંગ કરે છે. તેણે તાજેતરમાં જ આ જાન્યુઆરીમાં હૈદરાબાદમાં ભારત સામે 78 બોલમાં 140 રન બનાવ્યા જેમાં 12 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે.
બ્રેસવેલને સર્જરી બાદ યુકેથી ઘરે પરત ફરવામાં બે અઠવાડિયા જેટલો સમય લાગશે. તેના વર્લ્ડ કપમાંથી બહાર નીકળવા પર, ગેરી સ્ટેડે કહ્યું કે માઈકલ સ્વાભાવિક રીતે ખૂબ જ નિરાશ છે, પરંતુ તે સ્વીકારે છે કે ઈજાઓ રમતનો એક ભાગ છે અને તે હવે રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.