GujaratPolitics

રીવાબા એ જાહેરમાં સાંસદ પૂનમ માડમ અને મેયરને કેમ ખખડાવ્યા, થયો મોટો ખુલાસો

આજે જામનગરમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં મોટી બબાલ સામે આવી હતી. જામનગર ભાજપના ત્રણ મહિલા નેતાઓ જાહેરમાં બેફામ શાબ્દિક બોલાચાલી કરતા નજરે ચડ્યા હતા. ભાજપનાં ધારાસભ્ય,સાંસદ અને મેયર વચ્ચે ડખો થતા આજે ભાજપનું રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય રિવાબા ગુસ્સામાં આવી સાંસદ તેમજ મેયર પર બેફામ તૂટી પડ્યા હતા.

આ ઘટના બાદ રિવાબાએ મીડિયા સામે આવી ખુલાસા કર્યા હતા. તો મેયરે કહ્યું કે આ અમારી પાર્ટીનો પારિવારિક મામલો છે હું કંઈ બોલવા માગતી નથી.રિવાબાએ મીડિયા સમક્ષ આવી કહ્યું કે મેરી મિટ્ટી મેરા દેશ અંતગર્ત શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી હાજર હતાં. જ્યારે એમ.પી. માડમ શહીદ સ્મારકને હાર અર્પણ કરવા ગયાં ત્યારે તેમણે ચંપલ પહેરેલા હતા.

હું માળા અર્પણ કરવા ગઇ ત્યારે મેં શહીદોનું માન જાળવવા ચંપલ ઉતાર્યા હતા. બાદમાં મારી જેમ જ આગેવાનોએ ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપીને અમે બધાં સાઇડમાં ઊભાં હતાં ત્યારે સાંસદ માડમે જોરથી કહ્યું, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચંપલ નથી ઉતારતા, પણ ભાન વગરના લોકો કે જેમને કંઇ ભાન નથી પડતી એવા એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ થઇને ચંપલ ઉતારે છે.

એટલે મારે ન છૂટકે સેલ્ફ રિસ્પેક્ટ માટે બોલવું પડ્યું હતું કારણ કે જ્યાં આપણે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ ત્યાં આવી ટિપ્પણી મને માફક ન આવી. મેં સેલ્ફ રિસ્પેક્ટ માટે જવાબ આપ્યો કે બેન તમે મારા વિશે જે ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી. મેં પાર્ટી વિરુદ્ધ કોઇ કામ નથી કર્યું મેં તમને કંઇ નથી કહ્યું. શહીદોને રિસ્પેક્ટ આપીને ચંપલ ઉતાર્યા એ કોઇ ખોટી વાત નથી.