બિંદી લગાવીને સ્કૂલે ગઈ તો શિક્ષકે અપમાન કર્યું, 10માં ધોરણની વિદ્યાર્થીનીએ ઘરે આવી આપઘાત કરી લીધો
ઝારખંડના ધનબાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 10મા ધોરણમાં ભણતી એક છોકરીએ આત્મહત્યા કરી અને તેની પાછળનું કારણ ચોંકાવનારું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 17 વર્ષની છોકરી બિંદી લગાવીને સ્કૂલ ગઈ હતી. આનો વાંધો ઉઠાવતા એક શિક્ષકે તેને શાળાના પરિસરમાં જ બધાની સામે થપ્પડ મારી દીધી હતી. આનાથી વ્યથિત વિદ્યાર્થીએ ઘરે પહોંચીને ફાંસો ખાઈ લીધો.પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
શિક્ષકના ત્રાસથી આપઘાત કર્યો:
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાની શાળાના શિક્ષકના ત્રાસથી કંટાળીને સોમવારે હનુમાનગઢી કોલોનીમાં પોતાના ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. અહીં મંગળવારે ગુસ્સે ભરાયેલા સંબંધીઓ અને સ્થાનિક લોકો મૃતક બાળકીના મૃતદેહને લઈને સ્કૂલની સામેના રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા. જેના કારણે લાંબા સમય સુધી ટ્રાફિકની સમસ્યા રહી હતી.
મૃતક વિદ્યાર્થીની માતા વંદના દેવીએ જણાવ્યું કે સોમવારે તેની પુત્રી બિંદી લગાવીને તેની શાળામાં ગઈ હતી. શાળાના પરિસરમાં શિક્ષિકા સિંધુ મેડમે તેનો વાંધો ઉઠાવ્યો અને શિક્ષકે તમામ બાળકોની વચ્ચે વિદ્યાર્થીને થપ્પડ મારી દીધી. શિક્ષકના આ વર્તનથી દુઃખી થઈને વિદ્યાર્થિની ઘરે પરત ફરી અને તેણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. મૃતક વિદ્યાર્થીનીએ આત્મહત્યા સમયે સ્કૂલ ડ્રેસ પહેર્યો હતો અને તેતુલમારી પોલીસના નામે સુસાઈડ નોટ લખ્યા બાદ તેને યુનિફોર્મમાં રાખ્યો હતો.
સ્યુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાના મોત માટે સ્કૂલ ટીચર સિંધુ મેડમને જવાબદાર ગણાવ્યા છે. આ સાથે શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને માંગ પણ કરી છે.તેતુલમારી પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચેલા ડીએસપી નિશા મુર્મુએ કોઈક રીતે મૃતક વિદ્યાર્થીના સંબંધીઓ અને સ્થાનિક લોકોને હડતાળ ખતમ કરવા માટે સમજાવ્યા હતા. હાલ પોલીસે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષક વિરુદ્ધ FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.