આંખે પાટા બાંધીને ભગવાન જગન્નાથની પ્રતિમા બદલવામાં આવે છે, એ કયો બ્રહ્મ પદાર્થ છે જે આજ સુધી કોઈ જોઈ શક્યું નથી?
હિન્દુ ધર્મમાં 4 ધામોની માન્યતા છે. આ 4 ધામોમાંથી એક જગન્નાથ મંદિર પુરી, ઓડિશામાં આવેલું છે. આ મંદિર તેની અનેક વિશેષતાઓ માટે પ્રખ્યાત છે. અષાઢ મહિનામાં નીકળનારી રથયાત્રાને નિહાળવા લાખો લોકો અહીં ઉમટી પડે છે. આ વખતે આ રથયાત્રા 20 જૂન, મંગળવારથી શરૂ થઈ રહી છે. એવી માન્યતા છે કે જે પણ આ રથયાત્રાના દર્શન કરે છે તે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આગળ જાણો આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો…
2 દાયકામાં એકવાર દેવતાની મૂર્તિઓ બદલવામાં આવે છે: આ વાત સાંભળવામાં અજીબ લાગશે પણ આ બિલકુલ સત્ય છે. ભગવાન જગન્નાથના મંદિરમાં દર 20 વર્ષે દેવતાઓ બદલવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે અષાઢનો અધિક માસ હોય છે. આવો સંયોગ 19-20 વર્ષમાં એકવાર બને છે. અષાઢ મહિનામાં ભવ્ય ઉત્સવ દરમિયાન, જૂની મૂર્તિઓ હટાવી દેવામાં આવે છે અને નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. આ તહેવારને નવ કલેવર કહેવામાં આવે છે. ભગવાનની મૂર્તિ બનાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
જ્યારે પણ ભગવાન જગન્નાથની મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ રહસ્યમય છે. આ પ્રક્રિયાને કોઈ જોઈ શકતું નથી, ખુદ પૂજારી પણ નહીં. જ્યારે ભગવાનની જૂની મૂર્તિઓ હટાવીને નવી મૂર્તિઓ સ્થાપિત કરવાનો સમય આવે છે, ત્યારે આખા શહેરની વીજળી બંધ કરી દેવાય છે અને મંદિરની આસપાસ પણ અંધારું થઈ જાય છે. આ સમય દરમિયાન ફક્ત તે જ પૂજારીઓ મંદિરમાં હોય છે, જે મૂર્તિને બદલે છે.
સૌથી નવાઈની વાત એ છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ બદલનારા પૂજારીઓ પણ આંખે પાટા બાંધે છે અને હાથ પર મોજા પહેરે છે. આ પછી મૂર્તિઓ બદલવાની પ્રક્રિયા શરૂ થાય છે. પૂજારીઓ જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરે છે. બ્રહ્મ પદાર્થને ભગવાનનું હૃદય કહેવામાં આવે છે. જ્યારે પૂજારી તેને હાથમાં લઈને નવી મૂર્તિમાં દાખલ કરે છે, ત્યારે તે ધબકારા અનુભવે છે. જો કે આજ સુધી આ બ્રહ્મ પદાર્થને કોઈએ જોયો નથી.