Gujarat

સુરતમાં BRTS રોડ પર પુરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સે CA સ્ટુડન્ટને ટક્કર મારી, યુવકનું મોત

સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા દર્દનાક અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે સીએ વિદ્યાર્થી બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સે તેને ટક્કર મારી હતી. ટક્કરને કારણે વિદ્યાર્થી લગભગ 5 ફૂટ દૂર જઈને પડ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

સુરતના સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિર પાછળ શિવાય હાઈટ્સમાં રહેતો અનિલ રાજેશ ગોધાણી (21) અમદાવાદમાં સીએનો અભ્યાસ કરી રહ્યો હતો. અનિલ હોળી નિમિત્તે ઘરે આવ્યો હતો અને તેના મિત્રના ઘરે હોળી રમવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તેનો અકસ્માત થયો હતો.

વિદ્યાર્થીને ટક્કર માર્યા બાદ એમ્બ્યુલન્સનો ચાલક પૂરપાટ ઝડપે એમ્બ્યુલન્સ હંકારીને ભાગી ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને એમ્બ્યુલન્સ ડ્રાઈવરની ઓળખ કરી અને શુક્રવારે સવારે તેની ધરપકડ કરી. સરથાણા પોલીસે કારચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જુઓ વિડીયો: