Gujarat

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ફરી મેદાને: ગોવિંદ સગપરીયા સામે 50 કરોડનો માનહાનીનો દાવો કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગોંડલ વિધાનસભા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી અને ખાસ કરીને રીબડા મત વિસ્તાર ચર્ચામાં હતો. જો કે હવે ફરી વાર રીબડાનાં અનિરૂધ્ધસિંહ જાડેજા મેદાને આવ્યા છે. તેમણે રાજકોટના ગોવિંદભાઇ સપરીયા સામે 50 કરોડનો માનહાનીનો દાવો કર્યો છે અને નોટિસ એડવોકેટ દિનેશ પાતર મારફત ફટકારી છે.નોટિસમાં 7 દિવસમાં જવાબ આપવા પણ કહેવામાં આવ્યું છે.

ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ અનિરૂધ્ધસિંહ જાડેજાના કહેવાથી રાજકોટના ગોવિંદ સગપરીયાને રૂપિયા 50 કરોડના માનહાનીના દાવા ની નોટિસ ફટકારી છે. નોટિસમાં જણાવ્યું છે કે મારા અસીલ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ક્ષત્રિય સમાજમાં ખુબ સારી નામના ધરાવે છે. તેમને 3 પુત્ર છે અને તેઓ પણ સમાજમાં સારી નામના ધરાવે છે. અમારા અસીલના જણાવ્યા અનુસાર તારીખ 22.12.2022 ના રોજ રીબડામાં વિવિધ સમાજના આગેવાનો ગોંડલના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્યની હાજરીમાં એક જાહેર સભાનું આયોજન કરાયું હતું.

જે જાહેર સભાના વિડીયો હાલ સોશ્યલ મીડીયા સહિતના પ્લેટફોર્મ પણ છે. આ જાહેર સભામાં આપે અમારા અસીલ અને તેના પરીવારજનો વિરુદ્ધ અસભ્ય ભાષા અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી ચારિત્ર્યને હલકૂ ચિતરેલ અને ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થાય અને પટેલ સમાજના યુવાનો અમારા અસીલ અને તેના પરીવારજનોને પટેલ સમાજના એક દુશ્મનની નજરે જોવે અને તેઓની હત્યા કરવા પ્રેરાય તેવા શબ્દોનો પ્રયોગ કરેલ.

આ નોટીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અનિરૂધ્ધસિંહ જાડેજા કે તેના પરીવારજનો વિરુદ્ધ કોઈપણ પ્રકારની બદનક્ષી કારક નિવેદનો, ભાષણો તાત્કાલીક અસરથી બંધ કરશો. તમારા આ દુષ્કૃત્ય ને કારણે અમારા અસીલ તથા તેના પરીવારજનોને થયેલ માનસીક ત્રાસ,સામાજીક, વ્યવસાયીક અને પારીવારીક રીતે થયેલ આબરું ના ધોવાણની નુકસાની ના વળતર પેટે અમારા અસીલને રૂપિયા 50 કરોડનું વળતર નોટીસ મળ્યેથી 7 દિવસમાં ચૂકવી આપી તેની પાકી પહોંચ અસીલ પાસેથી મેળવી લેવી.

આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે જો નોટીસ મળ્યા ના 7 દિવસમાં આ દુષ્કૃત્ય બદલબીન શરતી માફી પત્ર વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરાવશો. ભવિષ્યમાં આ પ્રકારનું કોઈપણ કૃત્ય રીપીટ કરશો નહીં તેનું બાંહેધરી પત્ર અમારા અસીલ ને લખી આપશો. 7 દિવસમાં જો નોટિસનો જવાબ નહિ મળે તો ગોંડલ કોર્ટમાં આઇપીસી કલમ 500 મુજબ પિટિશન દાખલ કરવામાં આવશે.