અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેપર કપ પરના પ્રતિબંધ ના કારણે અમદાવાદના 1000 યુનિટ પર અસર પડી છે. કોરોના બાદ ધંધાની ગાડી માંડ પાટા પર ચડી હતી, પરંતુ એએમસીના દ્વારા લેવાયેલા નિર્ણયના કારણે પેપર બનાવતા 1000 યુનિટો બંધ થવાની આરે છે. કરોડો રૂપિયાના માલની સપ્લાય ઠપ થઈ ગઈ છે. વેપારીઓ પેપર કપ ફરી યુનિટસમાં પાછા મોકલી રહ્યા છે.
5 તારીખે આવ્યા મશીન, 14મીએ પ્રતિબંધ કરાયો :- પેપર કપ બનાવતા અંદાજે 1000 યુનિટ અમદાવાદમાં છે. પેપર કપ બનાવતા યુનિટની અંદર જે 25 કરોડ હતું. જે એએમસીના આ નિર્ણયથી ઠપ થઈ ગયું છે. અમરેલીના રહેવાસી રાજનભાઈ નરોડિયા અમદાવાદના કઠવાડા જીઆઇડીસીમાં પેપર કપ બનાવવાનું શરૂ કર્યું હતું.
પેપર કપ બનાવવાના મશીન લેવા હોય તો સરકાર સબસીડી આપે છે. એટલે રાજનભાઈએ 4 મશીન લેવા માટે લોન લીધી હતી. જેમાં સબસીડી મળી હતી. નવા મશીન 5 જાન્યુઆરી 2023 ના દિવસે આવ્યા હતા અને પેપરના પ્રતિબંધનો મેસેજ રાજનભાઈ ને 14 જાન્યુઆરી મળ્યો હતો. જેના કારણે રાજનભાઈ પરેશાન છે. હવે તેમના માટે મોટો પ્રશ્ન એ છે કે ઘર કઈ રીતે ચલાવવું અને લોનનો 1.15 લાખનો હપ્તો કેવી રીતે ભરવો.
પ્રાહી પેપર ઇન્ડસ્ટ્રીઝના માલિક રાજનભાઈ નરોડીયાએ જણાવ્યું હતું કે, એક યુનિટ ચલાવવા માટે ₹1,65,000 નો ખર્ચ થાય છે. મેં ચાર મશીન લીધા છે. જેનો પહેલો હપ્તો આવે એ પહેલાં જ મશીન બંધ કરવા પડ્યા છે. 50 લાખ રૂપિયાની લોન લીધી છે. જેનો હપ્તો 1.15,000 નો આવે છે, 10 કામદારો છે જેનો બે લાખ રૂપિયા પગાર અને ₹40,000 ભાડું ભરવાનું છે, સાથે જ બે મહિનાનું લાઈટ બિલ 1.25 લાખ રૂપિયા આવે છે. જોકે રાજનભાઈના યુનિટ સહિત એવા 1000 યુનિટ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ મોટા નિર્ણયથી મોટાભાગના માલિકોની આવી જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે.અન્ય એક વેપારી અભય મહેતાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર બનવા માટે સરકાર સહયોગ કરી રહી છે. મશીન લેવા માટે સબસીડી આપે છે. પેપર કપ બનાવવા માટે પ્રોત્સાહન આપે છે અને દેશભરમાં પેપર કપનો વપરાશ થાય છે, તો પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શા માટે બંધ કરાવે છે ?